Tuesday, 27 November 2012

વાતમાં કઇ દમ નથી


આ જગત અમને ઝુકાવે વાતમાં કઇ દમ નથી,
પણ હ્રદયના મામલે હારી જતાં નાનમ નથી.

સુખની કિંમત માણસે માણસમાં નોખી હોય છે,
ખારવાને માછલી મોતીથી સ્હેજે કમ નથી.

આ હવાની એક મર્યાદા જુઓ કાયમ રહી,
હરઘડી એ શ્વાસ બનવાને અહીં સક્ષમ નથી.

આ બધા પ્રતિબિંબ અંદર બ્હારથી બદલાય બસ,
માત્ર દર્પણ વેચવાનો આપણો ઉપક્રમ નથી.

બસ તમે નક્કી કરી લ્યો, ઝૂલવું કે ઝૂરવું?
એકપણ મોસમ તમારી ડાળ પર કાયમ નથી.

~ ગૌરાંગ ઠાકર

No comments:

Post a Comment