Monday 25 February 2013

દિલનો હાલ

નવાઈ શું જો કવિ દિલનો હાલ સમજે છે,
ફકીર લોક જમાનાની ચાલ સમજે છે.

પરંતુ કહેવાની લઝ્ઝત જવા નથી દેવી,
મને ખબર છે કે એ મારો હાલ સમજે છે.

સિતમ છે એ કે હૃદયની જો વેદના કહીએ,
જમાનો એને કવિનો ખયાલ સમજે છે.

આ ભેદ ખોલશે એક દિન ખુદાપરસ્ત કોઈ,
કે કોણ કોને અહીં પાયમાલ સમજે છે ?

હસીખુશીથી જે વાતો નિભાવું છું તેથી,
આ લોક મારા હૃદયને વિશાલ સમજે છે.

મળે તો એમની આશાને સો સલામ કરું,
કે વર્તમાનને પણ જેઓ કાલ સમજે છે.

અમે એ જોઈને દિલની વ્યથા નથી કહેતા,
કે એને ઐશની દુનિયા સવાલ સમજે છે.

તને બતાવી શકે કોણ ઉડ્ડયનની કલા,
કે તું હવાને શિકારીની જાલ સમજે છે !

મરણ અહીંથી તને લઈ જવાનું પળભરમાં,
તું બેખબર આ જગતને વિશાલ સમજે છે.

ખબર ખુદાને કે જન્નતમાં દુ:ખ હશે કેવાં !
કે ત્યાંના લોક મદિરા હલાલ સમજે છે.

ફક્ત હું એમના માટે ગઝલ લખું છું ‘મરીઝ’,
આ ચાર પાંચ જે મારો કમાલ સમજે છે.

મરીઝ

Monday 14 January 2013

એક ગઝલ ; - આદિલ મન્સૂરી

કેમ પડતું નથી બદન હેઠું,
ક્યાં સુધી જીવવાનું દુ:ખ વેઠું.

દેહમાંથી માંડ બ્હાર આવ્યો ત્યાં,
અન્ય બીજું કોઈ જઈ પેઠું.

અગ્નિજ્વાળા શમી ગઈ અંતે,
કોણ આ રાખથી થતું બેઠું.

કોને મોઢું બતાવીએ આદિલ,
માટીનું ઠીકરું અને એઠું.
- આદિલ મન્સૂરી

Wednesday 26 December 2012

મુહોબત

મુહોબતમાં પડવાની વાતો કરો છો !
તમે પણ શું મરવાની વાતો કરો છો !

પ્રણયનો સમુંદર જહાંજો ડૂબાડે,
અને આપ તરવાની વાતો કરો છો !

ગઝલના અશઆરો'ય પાણી ભરે છે,
તમે જયારે રડવાની વાતો કરો છો !

વફા, દોસ્તી, પ્રેમ ને લાગણીઓ,
બધી આ તમે શાની વાતો કરો છો ?

અધૂરો પ્રણય ને સુરાહી ઓ 'સાહેબ',
કદી એની કે આની વાતો કરો છો !

-ટેરેન્સ જાની 'સાહેબ'

કાળ પાસે એકે અખંડિત ક્ષણ નથી

પહેલાં હતું એ આજનું વાતાવરણ નથી;
રસ્તો અહીં પડ્યો છે ને તારા ચરણ નથી !

તૂટેલી સર્વ ચીજ કરું એકઠી સદા;
શું કાળ પાસે એકે અખંડિત ક્ષણ નથી !

સુરેશ દલાલ (Suresh Dalal)
Gazals

Sunday 2 December 2012

એક ભ્રમણા છે


એક ભ્રમણા છે, હકીકતમાં સહારો તો નથી,
જેને સમજો છો કિનારો એ કિનારો તો નથી !

એક પણ ફૂલમાં અણસાર તમારો તો નથી,
ભાસ કેવળ છે બહારોનો, બહારો તો નથી !

એ ખજાનો છે ગગન કેરો, અમારો તો નથી,
એક પણ એમાં મુકદ્દરનો સિતારો તો નથી.

કેમ અચરજથી જગત તાકી રહ્યું મારું વદન ?
સ્હેજ જોજો ! કોઈ પડછાયો તમારો તો નથી !

દિલના અંધારમાં આ ચાંદની ક્યાંથી ખીલી ?
ચંદ્રમુખ ! એ મહીં ઓછાયો તમારો તો નથી ?

મુજને દુનિયા ય હવે તારો દીવાનો કે’ છે,
એને સંમત તારી આંખોનો ઇશારો તો નથી ?

મુજને મઝધાર, ઓ મોજાંઓ ફરી લઈ ચાલો,
મારો હેતુ, મારી મંઝિલ આ કિનારો તો નથી !

હુંય માનું છું નથી ક્યાંય ‘એ’ દુનિયામાં નથી,
પણ વિચારો તો બધે છે, ન વિચારો તો નથી !

માત્ર મિત્રોનું નહિ, દુનિયાનું દરદ છે એમાં,
કોઈનો મારી મોહબ્બતમાં ઈજારો તો નથી !

પ્રેમ-પત્રો એ હરીફોના ભલે વાંચો; તમે,
એમાં જોજો મારી ગઝલોનો ઉતારો તો નથી ?

લાખ આકર્ષણો મુંબઈમાં ભલે હો ‘આસિમ!’
મારી ‘લીલા’, મારી ‘તાપી’નો કિનારો તો નથી.

- આસિમ રાંદેરી

Thursday 29 November 2012

સમજણ જો આવી જાય તો


એક બસ સમજણ જો આવી જાય તો ?
જે મળ્યું તેમાં જો ફાવી જાય તો ?

મોક્ષની વાતો બધા કરતા રહે,
તું ધરા પર સ્વર્ગ પામી જાય તો ?

કેમ છે ભીંતો અને સરહદ બધે ?
ચોતરફ વિશ્વાસ વ્યાપી જાય તો ?

આમ તો એ શું હતું ? શબ્દો હતા..
પણ જરા, જો ક્યાંક વાગી જાય તો ?

જેમનાથી જિંદગી દોડ્યા કર્યું,
એ હતું શું ? યાદ આવી જાય તો ?

જે નથી ભૂલ્યો, નથી કરતો હવે,
વાતમાં એ વાત આવી જાય તો ?

પ્રેમ જ્યાં સાચો હશે, બાંધે નહીં,
લાગણી જો નામ પામી જાય તો ?

પાછલી વાતો બધા ભૂલી જશે,
આખરી તું દાવ જીતી જાય તો !

-હિમાંશુ ભટ્ટ

Wednesday 28 November 2012

હાઇકુ

સમી સાંજના 
એકલતાના ડરે 
આકાશ રડે.
~~~~~
પંખી વિરહે 
આકાશ પણ રડે 
સમી સાંજના. _આરતી(૨૮.૧૧.૨૦૧૨)