Thursday, 22 November 2012

અચાનક


અંધારે કંઇ ઝળહળ ઝળહળ થાય અચાનક,
તું આવે ને રણમાં ખળખળ થાય અચાનક.

ડાહી ડમરી આંખો બગડી તારે સંગે,
એક ઉલાળે નટખટ-ચંચળ થાય અચાનક.

તારું હોવું, તારું જાવું એક બરાબર,
બન્ને વાતે ચાદરમાં સળ થાય અચાનક.

આડા-અવળા લીટા ને ચિતરામણ મારા,
તું અડકે ને કોરો કાગળ થાય અચાનક.

કુદરતનાં નિયમો બદલાવે ઓ..જાદૂગર !
મૃગજળમાંથી કાળું વાદળ થાય અચાનક.

છેલ્લા શ્વાસે એનું નામ લઇ ને પાજો,
સાદું પાણી પણ ગંગાજળ થાય અચાનક.

---પારુલ ખખ્ખર
Gazals from Group - "Gazal to Hu Lakhu..."

No comments:

Post a Comment