Thursday, 29 November 2012

સમજણ જો આવી જાય તો


એક બસ સમજણ જો આવી જાય તો ?
જે મળ્યું તેમાં જો ફાવી જાય તો ?

મોક્ષની વાતો બધા કરતા રહે,
તું ધરા પર સ્વર્ગ પામી જાય તો ?

કેમ છે ભીંતો અને સરહદ બધે ?
ચોતરફ વિશ્વાસ વ્યાપી જાય તો ?

આમ તો એ શું હતું ? શબ્દો હતા..
પણ જરા, જો ક્યાંક વાગી જાય તો ?

જેમનાથી જિંદગી દોડ્યા કર્યું,
એ હતું શું ? યાદ આવી જાય તો ?

જે નથી ભૂલ્યો, નથી કરતો હવે,
વાતમાં એ વાત આવી જાય તો ?

પ્રેમ જ્યાં સાચો હશે, બાંધે નહીં,
લાગણી જો નામ પામી જાય તો ?

પાછલી વાતો બધા ભૂલી જશે,
આખરી તું દાવ જીતી જાય તો !

-હિમાંશુ ભટ્ટ

Wednesday, 28 November 2012

હાઇકુ

સમી સાંજના 
એકલતાના ડરે 
આકાશ રડે.
~~~~~
પંખી વિરહે 
આકાશ પણ રડે 
સમી સાંજના. _આરતી(૨૮.૧૧.૨૦૧૨)

ગણવા દે.


એ વિરહને ખણે તો ખણવા દે;
રાતે તારા ગણે તો ગણવા દે.

મોજથી બેસ બાંકડે છેલ્લે,
એ ભણેશ્રી ભણે તો ભણવા દે.

તું ગઝલ તારી રીતે લખ, તેઓ,
ખુદને ગાલિબ ગણે તો ગણવા દે.

- મનોજ ખંડેરિયા

Tuesday, 27 November 2012

સંયમ


દોસ્તો, દુશ્મની રાખશે આંખમાં
ભેટશે આખરે એ નવી ચાલમાં

ફૂલનો વાંક ઓછો નથી બાગમાં
અજનબી ને લઈ લે છે એ બાથમાં

ગામમાં પાંદડું એક પણ ના હલે
કોઈનું બોલવું આખરી શ્વાસમાં

ભીંતને છે ખબર કે અલગ શું થયું
બોલતી-એ નથી કોઈ પણ હાલમાં

નામની વાત છે નામનું રાજ છે
નામ જેવું હવે તો બળે જાતમાં

ઝાઝી છે આમતો નાગરી નસ્લનો
જૂઠ-સચ રાખશે સંયમી હાથમાં ........
~ચિરાગ ઝા “ઝાઝી”

ન માનો


ન માનો ખતમ કે હજી હું શરુ છું
અડકશો નહિ હું ઉકળતો ચરૂ છું !

ન કાંટા ગણું છું , ન ફૂલો વણું છું
ચમન છે પ્રભુનું ફ-કત હું ફરું છું !

ન ફાવી શકી છે ગમે તે હો મોસમ,
જમાતોમાં ઝાડોની ખંધો તરૂ છું !

નિભાવી લઉં છું પ્રભુના વચનને
ગલત જો બનું તો ભયાનક વરુ છું !

રતનથી ય મોંઘા સમય કાગળો પર ,
ગણિતની જગાએ કવિતા કરું છું !

-ઈશ

વાતમાં કઇ દમ નથી


આ જગત અમને ઝુકાવે વાતમાં કઇ દમ નથી,
પણ હ્રદયના મામલે હારી જતાં નાનમ નથી.

સુખની કિંમત માણસે માણસમાં નોખી હોય છે,
ખારવાને માછલી મોતીથી સ્હેજે કમ નથી.

આ હવાની એક મર્યાદા જુઓ કાયમ રહી,
હરઘડી એ શ્વાસ બનવાને અહીં સક્ષમ નથી.

આ બધા પ્રતિબિંબ અંદર બ્હારથી બદલાય બસ,
માત્ર દર્પણ વેચવાનો આપણો ઉપક્રમ નથી.

બસ તમે નક્કી કરી લ્યો, ઝૂલવું કે ઝૂરવું?
એકપણ મોસમ તમારી ડાળ પર કાયમ નથી.

~ ગૌરાંગ ઠાકર

મૌનના સોગંદ


આપણી વચ્ચે કાંઈ નથી ને આમ જુઓ તો જોજન છે.
તું કોઈ ખુલાસો આપ નહીં તને મૌનના સોગંદ છે.

સમજું છું એથી તો જોને
ચૂપ રહેવાની વાત કરું છું
ધુમ્મસ જેવા દિવસોની હું
ઘોર અંધારી રાત કરું છું

વાસંતી આ હવા છતાંયે સાવ ઉદાસી મોસમ છે.
આપણી વચ્ચે કાંઈ નથી ને આમ જુઓ તો જોજન છે.

હવે વિસામો લેવાનો પણ
થાક ચડ્યો છે
આપણો આ સંબંધ
આપણને ખૂબ નડ્યો છે.

આમ જુઓ તો ખુલ્લેઆમ છે ને આ જુઓ તો મોઘમ છે.
તું કોઈ ખુલાસો આપ નહીં તને મૌનના સોગંદ છે.

-સુરેશ દલાલ

Monday, 26 November 2012

ફિલસુફી

મૌન બની બોલવાનું કલમ મારી શીખી ગઈ...!
જિંદગીની ફિલસુફીઓ એકદમ જ આવડી ગઈ..!

વરસો અનેક જિંદગીના વરસમાં હું કાપી ગઈ...!
કવિતાઓની ગણના મારી ઉમરને પણ આંબી ગઈ...!

દુનિયાના વ્યવહારોને મારી આંખો માપી ગઈ...!
મનમંથનની મથામણોને કલમ કાગળમાં લખતી ગઈ...!

ક્યાં ઉપાયે પીછો મુકાવું ? પીડાઓથી ત્રાસી ગઈ...!
સંવેદનાઓ મારી-મચડીને ડસ્ટબીનમાં નાખી ગઈ...!!!

---હિના ત્રિપાઠી

રીટા મળી ગઈ


રીટા મળી ગઈ આજે
સુંદર લાગતી હતી
શાળામાં હતી તેવીજ,
ત્યારે મને તે ખૂબ ગમતી
પણ મેં તેને કહ્યું નો’તું
એક પત્ર લખી રાખ્યો હતો
તેને આપવા.
આપવાની હિંમતજ થઈ નહીં
અચાનક શું સૂઝ્યું:
હું બોલી ઊઠ્યો:
’શાળામાં હતાં ત્યારે
તું મને ખૂબ ગમતી’
તે ખડખડાત હસી પડી
ત્યારે હસ્તી તેવુંજ
બોલી:
’મૂરખ છે ને ! ત્યારે કહેવું હતું ને !
મને પણ તું ખૂબ ગમતો’…

-વિપિન પરીખ

આંખ મારી તરબતર


સાંજ ડૂબી એકલી તારા વગર,
એટલે છે આંખ મારી તરબતર

શ્વાસ કાંટાળો ફરે છે દેહમાં,
થાય અટકાવી દઉં એની સફર

જો પ્રતિક્ષા બારણે ટોળે વળી,
આવશે તું એમ આવી છે ખબર,

ફૂલને ઝાકળ કહે છે વાત જે,
હું તેને કહેતો રહું બસ રાતભર…

જિંદગીને વેચવા દુનિયા ફર્યો,
ચોતરફ બસ લાગણીની કરકસર,

લઈ ઉદાસી કેટલું ચાલ્યા કરે?
એકલો માણસ અને ભરચક નગર

- ગોરાંગ ઠાકર

અજવાળું


આપણી રાતનું અંધારું ગજાદાર નથી,
દોસ્ત અજવાળું થવામાં હવે બહુ વાર નથી

લ્યો, ફરીથી આ તમારા વિનાની સાંજ પડી,
એક પણ પળ હવે આગળ જવા તૈયાર નથી

એ બધું સીધું તો ક્યારેય તને કેં ન લખે,
એ ગઝલકાર છે બસ કોઈ અરજદાર નથી

કોઈ બીજી રીતે સમજાવો તો કઈ વાત બને,
સાવ એવું નથી કે આપના પર પ્યાર નથી

પાનખર વ્રુક્ષને નિશ્ચિત સમય પર મળતી,
માત્ર માણસને દુઃખોનો અહી અણસાર નથી

જીવવાનો અહી સીધો ને સરળ માર્ગ કહું?
બસ ગજાથી વધુ સુખ ધરવામાં સાર નથી

~ગૌરાંગ ઠાકર

ઉદાસી


બાંકડે એટલે ઉદાસી છે ,
સાંજ તારા વગર વિતાવી છે .

ત્યાં સળગતો હશે એ પણ, નક્કી ;
આગ જેણે અહી લગાવી છે .

વાંક એનો નથી જરા પણ દોસ્ત ,
લોહીમાં એના બેઈમાની છે .

હું તો શોધી રહ્યો'તો ઘર મારું ,
લોક સમજ્યા મને ,પ્રવાસી છે .

લાગણીઓની લત લગાડીને ,
લૂંટ ચારે તરફ ચલાવી છે !

પીયૂષ પરમાર

સગપણ


આવ યાર સગપણ ની વાવણી કરી લઈએ ,
મારી-તારી ખુશીઓ ને આપણી કરી લઈએ .

છે વિરામ ને શાંતી ની જરૂર બંને ને,
યુધ્ધ ને આ રોકી ને છાવણી કરી લઈએ .

આપણે જે કાલે એકબીજા પર ઉઠાવી તી ,
તે જ લાકડી ઓ ની તાપણી કરી લઈએ .

પ્રેમ ના ક્ષમા ના શીખ્યા જે પાઠ બચપણ થી,
તેની ચલ નવેસર થી વાંચણી કરી લઈએ .

આપણી નજર સામે છે ખુશી ઓ નું આકાશ ,
વેંત-વેંત ભરીએ ને માપણી કરી લઈએ ...

Saturday, 24 November 2012

મારું હૃદય મઝાર નથી.


એટલે ત્યાં કશું ઉધાર નથી,
લાગણીનું કોઈ બજાર નથી.

મારું ભીતર છે, કોઈ ‘છટકું’ નથી,
દ્વાર પાછળ જો… કોઈ દ્વાર નથી.

એ જરૂરી છે, હોય અર્થસભર,
શબ્દ કેવળ કશો વિચાર નથી.

શોધ એવું અતીત તો તું ખરો,
કોઈ પાને કશા પ્રહાર નથી.

ફૂલ રહેવા દે, લાગણી લઈ આવ,
દોસ્ત, મારું હૃદય મઝાર નથી.

- સુનીલ શાહ

ગુર્જરી

ક્યાંક જો અજવાસની ભીતર મળે,
સ્થાન લેવું છે જો એવું ઘર મળે.

નેણથી પુછી લીધો જે પ્રશ્ન મેં,
મૌનરૂપી તેમનો ઉત્તર મળે.

સાંજવેળા યાદ આવે સાબરમતી,
ત્યાં પવન કેવો સરસ ફરફર મળે.

કાંકરીચાળો અહી કરતા નહીં
કાંકરિયે બીબીજી કટ્ટર મળે.

વાહ કનૈયાલાલ, મેઘાણી અરે!
ગુર્જરીની નાભીમાં અત્તર મળે.

સાવ ખુલીને હું ઉજવાઈ જાઉં
જો ગઝલરૂપી કોઇ અવસર મળે.

Kankshit Munshi

Friday, 23 November 2012

મળે છે

નથી કોઈ સંબંધ ન સગપણ મળે છે
છતાં રોજ સાંજે એ બે જણ મળે છે.

મિલન આપણું સૌને ખૂંચેછે શાયદ,
જમાનાને નાહકનું કારણ મળે છે.

બધાને છે ફરિયાદ બસ એજ વાતે,
અમે ના કહ્યું છતાં પણ મળે છે.

તરસ હોઠ પર આંખ છે પાણી પાણી,
ને ચહેરા ઉપર ધીકતું રણ મળે છે.

વળાવીને બેઠું છે ઘર એની રોનક,
હવે દ્વારપર સુકું તોરણ મળે છે.

ગજબ છે આ પથ્થરોના નગરમાં,
તિરાડો વિનાય દર પણ મળે છે.

ખલીલ એથી ધનતેજ યાદ આવે,
હજી ત્યાં મને મારું બચપણ મળે છે.

—ખલીલ ધનતેજવી

ત્યારે આવજે

શબ્દોથી મન મોકળું થઈ જાય ત્યારે આવજે
મૌન જયારે તારાથી સહેવાય ત્યારે આવજે

છે તું હમણા વ્યસ્ત તારી જાતના શૃંગારમાં
આઈનો જોઈ તને તરડાય ત્યારે આવજે

તારી માફક સ્વસ્થ રહેવા હું કરીશ કોશિશ જરૂર
પણ એ કોશિશમાં નયન છલકાય ત્યારે આવજે

ફક્ત હમણાં કે અહીં પૂરતો નથી સંબંધ આ
કાળસ્થળ તારાથી ઓળંગાય ત્યારે આવજે

તું નહીં આવી શકે તારા અહમને છોડીને
મારો ખાલીપો તને વરતાય ત્યારે આવજે

Thursday, 22 November 2012

આવી જજે.


હું બેઠો છું ત્યાંજ જ્યાં આપણે છૂટા પડ્યા હતા.
ભુલથી તને ક્યારેક સમય મળે તો આવી જજે.

મેં તને ક્યારેય દુખ નથી દીધુ તુય જાણે જ છે,
છૂટા પડ્યા પછી મળેલા સુખ મને ગણાવી જજે.

આદત પાડી તો હતી તેં જાતે જ સાથે રહેવાની,
કદી કદી તૂ આવીને ફરી તેવુ જ સતાવી જજે.

અશ્રુઓની નદી વચ્ચે ઘર બનાવ્યુ છે જાણી લે,
અરજ છે કે તૂ આવે કદી તો મને હસાવી જજે.

ઍવુ કદી થયુ તો નથી કે હું બોલાવુ, તૂ ન આવે,

રાહ જુવે છે મરણ પણ તારી જ હવે તો ''જાન,
મૌતના પરવાના પર યમરાજની સહી કરાવી જજે.
.....................
Sanjay Kathiriya

અચાનક


અંધારે કંઇ ઝળહળ ઝળહળ થાય અચાનક,
તું આવે ને રણમાં ખળખળ થાય અચાનક.

ડાહી ડમરી આંખો બગડી તારે સંગે,
એક ઉલાળે નટખટ-ચંચળ થાય અચાનક.

તારું હોવું, તારું જાવું એક બરાબર,
બન્ને વાતે ચાદરમાં સળ થાય અચાનક.

આડા-અવળા લીટા ને ચિતરામણ મારા,
તું અડકે ને કોરો કાગળ થાય અચાનક.

કુદરતનાં નિયમો બદલાવે ઓ..જાદૂગર !
મૃગજળમાંથી કાળું વાદળ થાય અચાનક.

છેલ્લા શ્વાસે એનું નામ લઇ ને પાજો,
સાદું પાણી પણ ગંગાજળ થાય અચાનક.

---પારુલ ખખ્ખર
Gazals from Group - "Gazal to Hu Lakhu..."

Wednesday, 21 November 2012

ઉદાસી

બાંકડે એટલે ઉદાસી છે ,
સાંજ તારા વગર વિતાવી છે . 

ત્યાં સળગતો હશે એ પણ, નક્કી ;
આગ જેણે અહી લગાવી છે .

વાંક એનો નથી જરા પણ દોસ્ત ,
લોહીમાં એના બેઈમાની છે .

હું તો શોધી રહ્યો'તો ઘર મારું ,
લોક સમજ્યા મને ,પ્રવાસી છે .

લાગણીઓની લત લગાડીને ,
લૂંટ ચારે તરફ ચલાવી છે !
પીયૂષ પરમાર

કસાબ ને ટાંગ્યો


અજમલ કસાબ અને તેનાં દેશવાસીઓને સાદર અર્પણ . . .

ધરતી પરનો ભાર ટાંગ્યો
શત્રુનો હુંકાર ટાંગ્યો

માનવાતાની લાજ ખાતર
લે...ચિત્તો ખૂંખાર ટાંગ્યો

પરદા પાછળ વાર તારા
અમે સરે બાઝાર ટાંગ્યો

ઉગતા સૂરજ ટાણે યારો
કાળો ઘોર અંધાર ટાંગ્યો

જે તારાથી થાય કરજે
જો...તારો પડકાર ટાંગ્યો

- પારુલ ખખ્ખર

Tuesday, 20 November 2012

ભીનું રણ

સ્હેજ ભીનું રણ મળે, તો પણ ઘણું
હાંફવા કારણ મળે, તો પણ ઘણું

ટોડલે લીલાશનું શમણું અમે
કાચનું તોરણ મળે, તો પણ ઘણું

છું અહર્નિશ ખોજમાં એકાંતની
ક્યાંક મહેરામણ મળે, તો પણ ઘણું

પ્રશ્ન અલબત્ત ખૂબ પેચીદો છતાં
વ્યાજબી તારણ મળે, તો પણ ઘણું

ક્યાંય પણ મારું વજન નહોતું, તને
કાંધ પર ભારણ મળે, તો પણ ઘણું....
...

Jagdip Nanavati

Monday, 19 November 2012

સાચું સાચું

ઢળતી આ સંધ્યાએ કહી દઉં તને કૈક સાચું સાચું ?
મારું એક અધૂરું કાવ્ય ગણી, હું આજ તને વાંચું ?

ફરી ફરીને શબ્દો બની, ભરાઈ જાય છે મુજ મહી,
કેમ કરી હવે હું વારંવાર, તને મારામાંથી ઉલેચું ?
-Saket Dave...

ઍક ચિંતા

ઍક ચિંતા કોરી ખાય છે મન મારુ,
કે તે મને યાદ કરતા હશે કે કેમ ?

ઍક લાગણી કોરી ખાય મન મારુ,
કે તેમનુ મન બેચેન હશે કે કેમ ?

ઍક વિચાર હૈરાન કરે છે રોજ મને,
કે તે મારી રાહ જોતા હશે કે કેમ ?

ઍક શ્વપ્ન ઉંઘવા મજબૂર કરે છે મને,
તેઓ પણ આમ ઉંઘતા હશે કે કેમ ?

ઍક ખુશી હ્રદય ધડકાવે છે મારુ'જાન'
કે હજુ હું ભૂલાવી નથી શક્યો તમને.

જિંદગી તો પૂરી થવાની છે

છોડ,તારે જ ઓઢવાની છે
રાત ભાગીને ક્યાં જવાની છે

આગ ને દોષ ના લગારે દો
મૂળમાં ભૂલ આ હવાની છે

લાખ રસ્તા વિચારવા પડશે
એક બાબત છૂપાવવાની છે

એમણે તો ફરજ કહી નાખી
આપણે તો નિભાવવાની છે

કોઇ ઇચ્છા પૂરી ન હો કે હો
જિંદગી તો પૂરી થવાની છે

Thursday, 15 November 2012

બાકી બરાબર છે.

જગતને એકલા જોવું પડ્યું,બાકી બરાબર છે,
તમારા થઇ જવું બાકી રહ્યું,બાકી બરાબર છે.

હવા ને હાલ કહેતાં ડાળને ડૂમો ભરાયો છે,
હતું જે પાંદ પ્પારું એ ખર્યું,બાકી બરાબર છે.

નવાજૂની નગરની ખાસ ન્હોતી પણ અહીં એક જણ,
વધુ પડતાં ઉમળકાથી મર્યું,બાકી બરાબર છે.

જે હંગામી હતો સંગાથ એનું દુખ રહ્યું કાયમ,
મને કોઇ ભૂલવું ભૂલી ગયું,બાકી બરાબર છે.

ગયો ટૂકાં હું રસ્તે ને સફળતા ઘેર પણ આવી,
પછી વળગણ એ રસ્તાનું નડ્યું,બાકી બરાબર છે.

વસંતે દ્વાર ખખડાવ્યા હતાં એ વાત સાચી, પણ,
મને ઘર ખોલતાં મોડું થયું,બાકી બરાબર છે.

~ગૌરાંગ ઠાકર

Wednesday, 14 November 2012

નજીક આવ !


છે પ્રેમનો સવાલ, જરા તો નજીક આવ !
ઊભી ન કર દીવાલ, જરા તો નજીક આવ !
મોટેથી કહી શકાય, નથી એવી વાત એ;
સુણવા હો દિલના હાલ, જરા તો નજીક આવ !
અંતર હંમેશા પ્રેમમાં અંતરાય થાય છે,
રાખીને એ ખયાલ, જરા તો નજીક આવ !
ટાઢક વળે છે દિલને મહોબતની આગથી;
જોવાને એ કમાલ, જરા તો નજીક આવ !
જાવું છે મારે દૂર ને ઝાઝો સમય નથી,
છોડીને સૌ ધમાલ, જરા તો નજીક આવ !
વાગી રહી છે મોતની શરણાઇઓ અમર,
જોવા જીવનનો તાલ, જરા તો નજીક આવ !
-– અમર પાલનપુરી

Friday, 9 November 2012

ચીભડાં ગળતી વાડ



બહુ ગોઝારી એક ખાઉધરી વાડ 
વાડ તો વધતી, વધતી ઝાડ, ઝાડવાભડાકો  
અને હવે આ ઝાડ તો ઊંચા ઊંચા વધતા પહાડ પંડ  ની પ્રજા ભારખતા 

વાળ ને ભાવે ફળ પોતાના 
ઝાડ ગળતા પાન 
પહાડ ના પથ્થર કંકર કટકું બટકું માનસ એ તો જાણ 

અને પછી તો ચસ્કો લાગ્યો લોહી ચટકો 
વાડઝાડ ને પહાડ બધેય હડહડ ભડભડ અગનભડાકો     

સરૂપ ધ્રુવ 

Wednesday, 7 November 2012

ફૂલ

નથી લખવી કવિતા મારે ફૂલોની 
એ લોકો કહે છે ફૂલો થી બદલાય છે મોસમ 
અને એ લોકો લખતા રહે છે બદલતી મોસમ ના ફૂલો ની કવિતા

ફૂલો, જે ખીલી તો જાય છે કુદરત ના ક્રમે, પણ કહી નથી શકતા કઇંયે
જયારે એમને કોઈ ચૂંટે. તોડે, ચોળે, મસાલે, રોળી નાખે, ટોળી નાખે,
ખેદન મેદાન કરી નાખે તે છતાં !!

દોરી જાય છે કોઈક બીજું જ, આ ફૂલો ને 
અત્તર ના પૂમડા થી માંડીને ફુલદાન સુધી
ગજરા થી માંડી ને શ્મશાન સુધી 
અથવા  તો પછી પથ્થર ના બનેલા 
મંદિરો -મસ્જીદો -દેવળો સુધી


સરૂપ ધ્રુવ