Wednesday, 28 November 2012

ગણવા દે.


એ વિરહને ખણે તો ખણવા દે;
રાતે તારા ગણે તો ગણવા દે.

મોજથી બેસ બાંકડે છેલ્લે,
એ ભણેશ્રી ભણે તો ભણવા દે.

તું ગઝલ તારી રીતે લખ, તેઓ,
ખુદને ગાલિબ ગણે તો ગણવા દે.

- મનોજ ખંડેરિયા

Tuesday, 27 November 2012

સંયમ


દોસ્તો, દુશ્મની રાખશે આંખમાં
ભેટશે આખરે એ નવી ચાલમાં

ફૂલનો વાંક ઓછો નથી બાગમાં
અજનબી ને લઈ લે છે એ બાથમાં

ગામમાં પાંદડું એક પણ ના હલે
કોઈનું બોલવું આખરી શ્વાસમાં

ભીંતને છે ખબર કે અલગ શું થયું
બોલતી-એ નથી કોઈ પણ હાલમાં

નામની વાત છે નામનું રાજ છે
નામ જેવું હવે તો બળે જાતમાં

ઝાઝી છે આમતો નાગરી નસ્લનો
જૂઠ-સચ રાખશે સંયમી હાથમાં ........
~ચિરાગ ઝા “ઝાઝી”

ન માનો


ન માનો ખતમ કે હજી હું શરુ છું
અડકશો નહિ હું ઉકળતો ચરૂ છું !

ન કાંટા ગણું છું , ન ફૂલો વણું છું
ચમન છે પ્રભુનું ફ-કત હું ફરું છું !

ન ફાવી શકી છે ગમે તે હો મોસમ,
જમાતોમાં ઝાડોની ખંધો તરૂ છું !

નિભાવી લઉં છું પ્રભુના વચનને
ગલત જો બનું તો ભયાનક વરુ છું !

રતનથી ય મોંઘા સમય કાગળો પર ,
ગણિતની જગાએ કવિતા કરું છું !

-ઈશ

વાતમાં કઇ દમ નથી


આ જગત અમને ઝુકાવે વાતમાં કઇ દમ નથી,
પણ હ્રદયના મામલે હારી જતાં નાનમ નથી.

સુખની કિંમત માણસે માણસમાં નોખી હોય છે,
ખારવાને માછલી મોતીથી સ્હેજે કમ નથી.

આ હવાની એક મર્યાદા જુઓ કાયમ રહી,
હરઘડી એ શ્વાસ બનવાને અહીં સક્ષમ નથી.

આ બધા પ્રતિબિંબ અંદર બ્હારથી બદલાય બસ,
માત્ર દર્પણ વેચવાનો આપણો ઉપક્રમ નથી.

બસ તમે નક્કી કરી લ્યો, ઝૂલવું કે ઝૂરવું?
એકપણ મોસમ તમારી ડાળ પર કાયમ નથી.

~ ગૌરાંગ ઠાકર

મૌનના સોગંદ


આપણી વચ્ચે કાંઈ નથી ને આમ જુઓ તો જોજન છે.
તું કોઈ ખુલાસો આપ નહીં તને મૌનના સોગંદ છે.

સમજું છું એથી તો જોને
ચૂપ રહેવાની વાત કરું છું
ધુમ્મસ જેવા દિવસોની હું
ઘોર અંધારી રાત કરું છું

વાસંતી આ હવા છતાંયે સાવ ઉદાસી મોસમ છે.
આપણી વચ્ચે કાંઈ નથી ને આમ જુઓ તો જોજન છે.

હવે વિસામો લેવાનો પણ
થાક ચડ્યો છે
આપણો આ સંબંધ
આપણને ખૂબ નડ્યો છે.

આમ જુઓ તો ખુલ્લેઆમ છે ને આ જુઓ તો મોઘમ છે.
તું કોઈ ખુલાસો આપ નહીં તને મૌનના સોગંદ છે.

-સુરેશ દલાલ

Monday, 26 November 2012

ફિલસુફી

મૌન બની બોલવાનું કલમ મારી શીખી ગઈ...!
જિંદગીની ફિલસુફીઓ એકદમ જ આવડી ગઈ..!

વરસો અનેક જિંદગીના વરસમાં હું કાપી ગઈ...!
કવિતાઓની ગણના મારી ઉમરને પણ આંબી ગઈ...!

દુનિયાના વ્યવહારોને મારી આંખો માપી ગઈ...!
મનમંથનની મથામણોને કલમ કાગળમાં લખતી ગઈ...!

ક્યાં ઉપાયે પીછો મુકાવું ? પીડાઓથી ત્રાસી ગઈ...!
સંવેદનાઓ મારી-મચડીને ડસ્ટબીનમાં નાખી ગઈ...!!!

---હિના ત્રિપાઠી

રીટા મળી ગઈ


રીટા મળી ગઈ આજે
સુંદર લાગતી હતી
શાળામાં હતી તેવીજ,
ત્યારે મને તે ખૂબ ગમતી
પણ મેં તેને કહ્યું નો’તું
એક પત્ર લખી રાખ્યો હતો
તેને આપવા.
આપવાની હિંમતજ થઈ નહીં
અચાનક શું સૂઝ્યું:
હું બોલી ઊઠ્યો:
’શાળામાં હતાં ત્યારે
તું મને ખૂબ ગમતી’
તે ખડખડાત હસી પડી
ત્યારે હસ્તી તેવુંજ
બોલી:
’મૂરખ છે ને ! ત્યારે કહેવું હતું ને !
મને પણ તું ખૂબ ગમતો’…

-વિપિન પરીખ